Wednesday, April 13, 2011

એક દિવસ

મારો   મિત્ર  મારી  સમક્ષ  હૈયું  ઠાલવી  રહ્યો  હતો.
અમે  સાથે રહી શકીએ એમ ન હતા. મા એકલી રહેતી હતી. લગ્નના ૨૧ વર્ષ પછી મારી પત્નીએ મને કહ્યું કે : તમે એક દિવસ તેની સાથે ગાળો, બહાર જમો, ફિલ્મ જોવા જાઓ, હું તમને ચાહું છું, પરંતુ મને ખબર છે કે તમારી માં પણ તમને બહુ ચાહે છે અને તે પણ તમારી સાથે થોડો સમય ગાળવા ઈચ્છે છે.
મારી માં ૧૯ વર્ષ પહેલા વિધવા થઇ હતી, પરંતુ મારી ગળાડૂબ વ્યસ્ત રહેવાની લાચારી, મારા ત્રણ બાળકોનો સંસાર... એ બધામાંથી હું જવલ્લે જ તેને મળી શકતો. તે દિવસે મેં તેને ફોન કરી જણાવ્યું કે: હું આવું છું તને મળવા અને આપણે આખો દિવસ સાથે ગાળશું.  આ સાંભળી તેણે પૂછ્યું: શી ગડબડ છે? તારી તબિયત તો ઠીક છે ને?

મને લાગે છે કે આપને થોડો સમય સાથે ગાળીએ તો એ સારું રહેશે. આપણે  બે જ, ત્રીજું કોઈ નહિ.
એક પળ  વિચારી તેણે  કહ્યું : 'ખરેખર!' 
બીજે દિવસે હું માં પાસે ગયો. તેને પણ અમારી આ મુલાકાત જરા નવી નવાઈની લગતી હતી. તે સુંદર સાડીમાં તૈયાર થઈને મારી પ્રતિક્ષા કરી રહી હતી. તેણે તેના વાંકડિયા વાળ સારી રીતે ઓળયા  હતા અને તેણે છેલ્લે તેની લાગ્ન તિથીએ  જે પોશાક પહેર્યો હતો તે જ પોશાક, તે જ સાડી અત્યારે પહેરી હતી. 
તેનો ચહેરો આનંદથી ઝળહળતો હતો. તેણે મારી સામે જોઈ સ્મિત કર્યું. તેના ચહેરા પર અપાર્થિવ તેજ જણાતું હતું! તેણે કહ્યું: ' મેં મારા મિત્રોને કહ્યું કે હું મારા પુત્ર સાથે બહાર જઈ રહી છું તો તેઓ એટલા બધા ઉત્સાહમાં આવી ગયા હતા, અને કોઈ એ વાત માનવા જ તૈયાર ન હતા!'
અમે એક શાંત, સુંદર, સ્વચ્છ રેસ્ટોરાંમાં ગયા. તે વહાલથી મારો હાથ ઝાલી અંદર પ્રવેશી, અમે ખુરશીમાં ગોઠવાયા. મેં  મેન્યુ પર નજર નાખી. તે કેવળ મોટા અક્ષરો જ વાંચી શક્તી હતી. અડધું વાંચ્યા બાદ મેં માની સામે જોયું તો તે મારી સામે એકીટસે જોઈ રહી હતી. તેના હોઠ પર એક અર્થસભર સ્મિત હતું: ' તું નાનો હતો ત્યારે હું મેન્યુ વાંચતી તે યાદ છે?'
'ત્યાર બાદ તને રાહત રહે તેથી હું વાંચવા લાગ્યો હતો.' મેં કહ્યું.
સુંદર ભોજનની સાથોસાથ અમે અલક મલકની ઘણી વાતો કરતા રહ્યા. અમે ધરાઈને વાતો કરી, એટલી વાતો કે અમે ફિલ્મ જોવા જવાનું જ ભૂલી ગયા! વાતો તો રોજ-બ-રોજની ઘટનાઓની જ હતી છતાં જાણે ખૂટતી જ ન હતી. છેલ્લે ફરી અમે તેને ઘેર પહોચ્યા ત્યારે તેણે કહ્યું: ' હું ફરી એકવાર તારી સાથે એક દિવસ ગાળીશ, પરંતુ ત્યારે હું તને બોલાવીશ!'
' કેવો રહ્યો તમારો દિવસ?' હું ઘરે આવ્યો ત્યારે મારી પત્નીએ મને પૂછ્યું. ' ખૂબ સરસ. હું માનતો હતો તેના કરતા ઘણો સરસ રહ્યો.' મેં જવાબ આપ્યો. 
થોડા દિવસો બાદ મારી માંને હૃદય રોગનો હુમલો આવ્યો અને તે જીવલેણ નીવડ્યો. એ એટલું ઝડપથી બની ગયું કે હું તેના માટે કઈ કરી શકું તેવો સમય જ ન રહ્યો.
અમુક સમય વીતી ગયા બાદ મને એક કવર મળ્યું. તેમાં મેં અને મારી માએ  જ્યાં ભોજન લીધું હતું એ રેસ્ટોરાની રસીદ હતી. તેની સાથે એક નોંધ હતી: ' આ બીલ મેં અગાઉથી ચૂકવી દીધું છે. મને નહોતું લાગતું કે હું તમારી સાથે ત્યાં આવી શકું. પરંતુ કઈ વાંધો નહિ, મેં બે પ્લેટનું બીલ ચૂકવ્યું છે - એક તારે માટે અને બીજી તારી પત્ની માટે. તને એ ક્યારેય નહિ સમજાય  કે મારે માટે તે એક દિવસ એટલે શું! હું તને બહુ ચાહું છું મારા દીકરા!'
જીવનમાં આપણાં  પોતાના સ્વજનો અને મિત્રો જેવા પ્રિયજનોથી  વધારે મહત્વનું બીજું કઈ નથી. તેમને માટે આપવો જોઈએ તેટલો સમય ફાળવો, કારણ કે આવી બાબતોમાં 'સમય' મુલતવી રાખી શકાતો નથી.
                                                                                                                                     - હર્ષદ દવે.

No comments:

Post a Comment